Chhand in Gjarati |
છંદ એટલે શું? અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ ઉદાહરણ સહિત સમજાવો.
"કાવ્ય કે પંક્તિમાં મધુરતા લાવવા માટે કરવામાં આવતી અક્ષરોની ગોઠવણી ને છંદ કહે છે."
ઉદાહરણ :
1. ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની. (શિખરણીછંદ)
2. બેઠી ખાટે, ફરીવળી બધે મેડીઓ ઓરડામાં. (મંદાક્રાન્તા છંદ)
છંદના મુખ્ય બે પ્રકાર છે.
1. અક્ષરમેળ છંદ અને 2. માત્રામેળ છંદ
1. અક્ષરમેળ છંદ:
અક્ષરમેળ છંદમાં કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવી પડે છે. તેમાં લઘુ-ગુરુ અક્ષરોની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણરચના કરવામાં આવે છે.
➡️ અક્ષરમેળ છંદને 'વૃત્ત' કે 'ગણમેળ' પણ કહે છે.
➡️ અક્ષરોની સંખ્યા અને ચરણનાં લઘુ-ગુરુ સ્થાન નિશ્ચિત હોય છે.
➡️ તેમાં લય-આવર્તનો માટે અક્ષર સંધિઓ યોજાતી નથી. (લઘુ U /ગુરુ –)
2. માત્રામેળ છંદ:
માત્રામેળ છંદમાં કાવ્યની પંક્તિઓના અક્ષરોની માત્રાની ગણતરી કરવી પડે છે. તેમાં લઘુ-ગુરુ માત્રાની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણરચના કરવામાં આવે છે.
➡️ માત્રામેળ છંદને 'જાતિ' પણ કહે છે.
➡️ તેમાં માત્રાઓની સંખ્યા અને તાલ વ્યવસ્થા દ્વારા ઓળખાય છે.
➡️ તેમાં લય-આવર્તનો માટે માત્રા સંધિઓ યોજાય છે. (લઘુ 1 /ગુરુ 2)
લઘુ :
➡️ ગુજરાતમાં અગિયાર સ્વરો છે. : અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ.
➡️ ઉપરોક્ત સ્વરોમાં - અ, ઇ, ઉ અને ઋ એ ચાર સ્વરો લઘુ છે.
➡️ વર્ણમાં જે હ્સ્વ સ્વર હોય તેને લઘુ અક્ષર કહે છે.
➡️ લઘુની નિશાની અક્ષરમેળ છંદમાં U અને માત્રામેળ છંદમાં 1 છે.
ગુરૂ :
➡️ આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ એ સાત સ્વરો ઉપરાંત અનુસ્વાર અને વિસર્ગના ઉચ્ચારવાળા અં અને અઃ ગુરુ ગણાય છે.
➡️ વર્ણમાં જે સ્વર દીર્ઘ હોય તેને ગુરૂ અક્ષર કહે છે.
➡️ ગુરુની નિશાની અક્ષરમેળ છંદમાં – અને માત્રામેળ છંદમાં 2 છે.
લઘુ અક્ષરો ક્યારે ગુરુ ગણાય?
(1) જોડાક્ષરોની પૂર્વે આવેલો લઘુ અક્ષર ગુરુ ગણાય છે.
દા.ત.
અસત્ય, મર્મ, પુષ્પ, ધર્મ વગેરેમાં અનુક્રમે - સ, મ, પુ, ધ ગુરુ બની જાય છે.
એજ રીતે - સ્તુત્ય, અસ્મિતા, પ્રત્યય માં સ્તુ, અ, પ્ર ગુરુ બની જાય છે.
પરંતુ - સ્તુતિ, સ્મિતા, પ્રથા માં તિ લઘુ જ રહે છે. જોડાક્ષરો અને જોડાક્ષરો પછી આવેલા લઘુ અક્ષર લઘુ જ ગણાય છે.
(2) પંક્તિને અંતે આવેલો લઘુ અક્ષર ગુરુ ગણાય છે.
(3) જે અક્ષર પર તીવ્ર અનુસ્વાર આવ્યું હોય તે અક્ષર લઘુ હોય તો પણ ગુરુ બને છે.
દા.ત.:- મંદ, જંગ, કંપ, જંપ, સંપ
(4) વિસર્ગવાળો અક્ષર લઘુ હોય, પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે તો તે ગુરુ બને છે.
ગણ :
ત્રણ અક્ષરના સમુહને ગણ કહે છે.
ગણસૂત્ર :
છંદના બંધારણ મેળવવા માટે લઘુ-ગુરૂની નિશાનીવાળા સૂત્રને ગણસૂત્ર કહે છે.
ગણરચના :
લઘુ-ગુરૂ અક્ષરોના બનેલા જૂથને ગણ કહે છે. આવા આઠ ગણ છે.
ગણને યાદ રાખવા માટેનું સૂત્ર |
ગણને યાદ રાખવા માટેનું સૂત્ર :- યમાતારાજભાનસલગા
ક્રમ ગણ | લઘુ-ગુરૂ બંધારણ ચિન્હ | અક્ષર લઘુ ગુરૂ |
1. ય | યમાતા U – – | લઘુ, ગુરૂ, ગુરૂ |
2. મા | માતારા – – – | ગુરૂ, ગુરૂ, ગુરૂ |
3. તા | તારાજ – – U | ગુરૂ, ગુરૂ, લઘુ |
4. રા | રાજભા – U – | ગુરૂ, લઘુ, ગુરૂ |
5. જ | જભાન U – U | લઘુ, ગુરૂ, લઘુ |
6. ભા | ભાનસ – U U | ગુરૂ, લઘુ, લઘુ |
7. ન | નસલ U U U | લઘુ, લઘુ, લઘુ |
8. સ | સલગા U U – | લઘુ, લઘુ, ગુરૂ |
9. લ | લઘુ U | લઘુ |
10. ગા | ગુરૂ. – | ગુરૂ |
Axarmel chhand |
1. અક્ષરમેળ છંદ:
- મંદાક્રાન્તા છંદ
- શિખરિણી છંદ
- પૃથ્વી છંદ
- અનુષ્ટુપ છંદ
- હરિણી છંદ
- વસંતતિલકા છંદ
- શાર્દૂલવિક્રીડિત છંદ
- મનહર છંદ
- સ્ત્રગ્ધરા છંદ
[1] મંદાક્રાન્તા છંદ
➡️ કુલ અક્ષર 17 હોય છે.
➡️ યતિ 4 અને 10 માં અક્ષરે આવે છે.
➡️ 7 લઘુ અક્ષર અને 10 ગુરૂ અક્ષર હોય છે.
➡️ પ્રથમ ત્રણ અક્ષર –ગુરૂ (– – –) અને અંતિમ બે અક્ષર પણ –ગુરૂ હોય છે.
➡️ ગણ (બંધારણ):- મભનતતગાગા (– – –, – U U, U U U, – – U, – – U, – –)
ઉદાહરણો :–
✅ છે કો મારુ, અખિલ જગમાં? બૂમ મેં એક પાડી.
✅ ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી.
✅ કે કૌમારે, પણ મુજ સરે, બાળવેશે સહેજે!
✅ બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઇ સારી.
✅ રે રે શ્રધ્ધા, ગત ગઇ પછી, કોઇ કાળે ન આવે.
⭐ હા! પસ્તાવો, વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે!
⭐ રે પંખીડા! સુખથી ચણજો, ગીતવા કાંઇ ગાજો
⭐ દીઠાં હેતે, સ્મૃતિપડ બધાં, ઊકલ્યાં આપ રૂડાં.
⭐ ને આ બુઢ્ઢો, વડ પણ નકારે જ માથું હલાવી.
⭐ શોકા વેશે, હ્રદય ભરતી કંપતી ભીતિઓથી.
⭐ ઊભા છેલ્લી, નજર ભરીને, જોઇ લેવા જ ભૂમિ.
⭐ બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી.
⭐ પાપી તેમાં, ડૂબકી દઇને, પુણ્યશાળી બને છે.
[2] શિખરિણી છંદ
➡️ કુલ અક્ષર 17 હોય છે.
➡️ પ્રથમ ત્રણ અક્ષર (U– –)
➡️ યતિ 6 કે 12 માં અક્ષરે આવે છે.
➡️ 9 લઘુ અક્ષર અને 8 ગુરૂ અક્ષર હોય છે.
➡️ પ્રથમ અક્ષર U ત્યાર પછી પાંચ – આવે છે.
➡️ બંધારણ :- યમનસભલગા (U– –, – – –, U U U, U U–, –U U, U –)
ઉદાહરણો :–
✅ વળી સાથે લાવ્યો, વિમલ ઘટ ગંગોદક ભરી.
✅ અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા.
✅ પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને સૌ.
✅ અસત્યો માંહેથી, પ્રભુ! પરમ સત્યે તું લઇ જા.
✅ મને એ ચક્ષુમાં, પ્રભુ! જગતતીર્થોત્તમ મળ્યું.
✅ વળાવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશઃ
✅ હણો ના આપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં.
✅ લડો પાપો સામે, અડગ મનના ગુપ્ત બળથી.
✅ કદી મારી પાસે, વનવન તણા હોત કુસુમો.
✅ મને બોલાવે આ, ગિરિવર તણા મૌન શિખરો.
⭐ ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની.
⭐ ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઇ જા.
⭐ હજી તારો હાલો મુજ કરણમહી રણઝણે.
⭐ નદી દોડે, સોળે ભડભડ બળે ડુંગર વનો.
⭐ ઠરી મારી આંખો, કબીરવડ તું ને નીરખીને.
⭐ બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું.
[3] પૃથ્વી છંદ
➡️ કુલ અક્ષર 17 હોય છે.
➡️ યતિ 8 કે 9 માં અક્ષરે આવે છે.
➡️ 10 લઘુ અક્ષર અને 7 ગુરૂ અક્ષર હોય છે.
➡️ પ્રથમ ત્રણ અક્ષર (U – U) અને અંતિમ બે અક્ષર U – હોય છે.
➡️ ગણ (બંધારણ):- જસજસયલગા (U – U, U U –, U – U, U U –, U – –, U –)
ઉદાહરણો :–
✅ ભમો ભરતખંડમાં, સકળ ભોમ ખૂંદી વળી.
✅ છતાંય દિલ તો ચહે, તન યુવાનની તાજગી.
✅ મને શિશુ તણી ગમે, સરળ સૃષ્ટિ સ્નેહે ભરી.
✅ ધમાલ ન કરો જરાય, નહિ નેન ભીનાં થશે!
✅ ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું.
✅ પ્રિયે તુજ લટે ધરું, ધવલ સ્વચ્છ આ મોગરો.
✅ મળે અધિક જે તને, મુજ થકી ઉપે થાપજે.
[4] અનુષ્ટુપ છંદ
➡️ કુલ અક્ષર 32 હોય છે.
➡️ કુલ 4 ચરણ હોય છે.
➡️ પ્રત્યેક ચરણમાં 8 અક્ષર હોય છે.
➡️ આ છંદમાં ગણસૂત્ર નથી.
➡️ પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ તેમજ છઠ્ઠો અને સાતમો અક્ષર ગુરૂ હોય છે. (Uલઘુ, –ગુરૂ, –ગુરૂ)
➡️ બીજા અને ચોથા ચરણમાં પાંચમો અક્ષર લઘુ તેમજ છઠ્ઠો અક્ષર ગુરૂ અને સાતમો અક્ષર લઘુ હોય છે. (Uલઘુ, –ગુરૂ, Uલઘુ)
➡️ બંધારણ નથી.
ઉદાહરણો :–
✅ ઇન્દ્રપ્રસ્થજનો આજે, વિચાર કરતા હતા,
એક બાબતને માટે, શંકા સૌ ધરતા હતા.
✅ સૌંદર્ય વેડફી દેતાં, ના ના સુંદરતા મળે,
સૌંદર્ય પામતાં પ્હેલાં, સૌદર્ય બનવું પડે.
✅ જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે,
ઘસીને જાતને સંતો, અન્યને સુખિયા કરે.
✅ શને આવ્યો હશે તેની, કલ્પનાઓ ચલાવતાં,
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા!
✅ સતી બેભાન શય્યામાં, ગંધથી જ પડી ગઈ,
સૂતો જ્યોતિષી પ્યાલીને, છાતી સાથે જડી દઈ!
✅ બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેવાનું,
સુતેલાનું રહે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું.
✅ રહેવા દે ! રહેવા દે ! આ સંહાર યુવાનતું,
ઘટે ના ક્રુરતા આવી, વિશ્વ સૌદર્ય કુમળું.
[5] હરિણી છંદ
➡️ કુલ અક્ષર 17 હોય છે.
➡️ યતિ 8 અને 10માં અક્ષરે આવે છે.
➡️ બંધારણ :- નસમરસલગા (U U U, U U –, – – –, – U –, U U –, U –)
ઉદાહરણો :–
✅ મુખ મરકતું માનું જેના, સ્વરે ઘર ગૂંજતું.
✅ પવન ઝડપે પાણી ડોલ્યા, નદી મલકી પડી.
[6] વસંતતિલકા છંદ
➡️ કુલ અક્ષર 14 હોય છે.
➡️ પ્રથમ ત્રણ અક્ષર (– – U)
➡️ યતિ 8 માં અક્ષરે આવે છે.
➡️ છેલ્લા બે અક્ષર લઘુ આવે છે.
➡️ બંધારણ :- તભજજગાગા (– – U, – U U, U – U, U –, U – –)
ઉદાહરણો :–
✅ ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં, નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે.
✅ જામી ગઈ તરત ઘોર, કરાલ રાત,
લાગી બધે પ્રસરવા, પુર માંહિ વાત.
✅ ત્યાં ધૂળ દૂર નજરે, ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી, નર કોઇ આવે.
⭐ હા હા ગંગા વહુ બિચારી ખરું કહે છે.
[7] શાર્દૂલવિક્રીડિત છંદ
➡️ કુલ અક્ષર 19 હોય છે.
➡️ યતિ 7 કે 12માં અક્ષરે આવે છે.
➡️ 8 લઘુ અક્ષર અને 11 ગુરૂ અક્ષર હોય છે.
➡️ પ્રથમ ત્રણ અક્ષર –ગુરૂ (– – –) અને છેલ્લો અક્ષર પણ –ગુરૂ હોય છે.
➡️ બંધારણ :- મસજસતતગા (– – –, U U –, U – U, U U –, – – U, – – U, –)
ઉદાહરણો :–
✅ ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં.
✅ સ્નેહી સ્નેહ તણો અનાદર કહે શી રીતથી હું સહું!
✅ ભૂલોની જ પરંપરા જગત આ, એવું દિસે છે પિતા!
✅ ગાજે સાગર રાજ, આ જ ગરવા તોફાનના તોરમાં.
✅ ના તારો અપરાધ, આમ ત્યજવા જેવો લગારે થયો.
✅ અંધારું થયું પાતળું નભ વિષે, તારાઘ્રુતિ નીતરી.
✅ આ સંસાર અસાર છે અહહહા! એ શીખ આજે મળી.
✅ આંસુના પડદા વતી નયન તો, મારાં થયા આંધળા.
⭐ ખેડે સૂરજ ભોમ, સોમ કરતો આનંદની વાવણી,
આખી સીમ ભરી ભરી ઘુઘવતો, શો મોલ મારો વધે.
⭐ રાજાના દરબારમાં રસિકડી, મેં બીન છેડી અને,
તેં તારા ઠમકારથી સકળનાં, ચોરી લીધા ચિત્તને.
[8] મનહર છંદ
➡️ કુલ બે પંક્તિમાં હોય છે.
➡️ કુલ અક્ષર 31 હોય છે.
➡️ પ્રથમ પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 17 અક્ષર હોય છે.
➡️પ્રથમ ત્રણ ચરણમાં 8 અક્ષર અને ચોથા ચરણમાં 7 અક્ષર.
➡️ યતિ 8 માંઅક્ષરે હોય છે.
➡️ છેલલ્લો અક્ષર ગુરૂ આવે છે.
➡️ બંધારણ નથી.
ઉદાહરણો :–
✅ ઊંટ કહે આ સભામાં, વાંકાં અંગ વાળા ભૂંડા,
ભૂતળમાં પશુઓ ને, પક્ષીઓ અપાર છે.
✅ સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરાય,
અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે.
✅ પોલું છે તે વાગ્યું એમાં કરી તે શી કારીગરી,
સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.
✅ નાગરવેલની જેવી, નાજુકડી નાર વાંકી,
વાંકો એનો અંબોડો ને, વાંકા એના વેણ છે.
✅ આદિત્યનો અસ્ત થતાં, થાય છે અંધારું ધબ,
ફારબસ વિના એવી, દુનિયા દેખાય છે.
[9] સ્ત્રગ્ધરા છંદ
➡️ કુલ અક્ષર 21 હોય છે.
➡️ યતિ 7 અને 14 માં અક્ષરે આવે છે.
➡️ 9 લઘુ અક્ષર અને 12 ગુરૂ અક્ષર હોય છે.
➡️ પ્રથમ ત્રણ અક્ષર ગુરૂ (– – –) અને છેલ્લાં ત્રણ અક્ષરો લઘુ, ગુરૂ, ગુરૂ (U – –)
➡️ બંધારણ :- મરભનયયય (– – –, – U –, – U U, U U U, U – –, U – –, U – –)
ઉદાહરણો :–
✅ ધીમે ધીમે છટાથી, કુસુમ રજ લઇ, ડોલતો વાયુ વાયે.
✅ ટૈકો ઊંડો ગજાવે, ગગનપટ ભરી, ફૂટડી ક્રોંચ.
✅ ઝંઝાવાતે ઘુમાવી, એટલ વિતલ સૌ, એક આકાશ કીધું.
[10] માલિની છંદ :-
➡️ કુલ અક્ષર 15 હોયછે.
➡️ યતિ 8 માં અક્ષરે આવે છે.
➡️ પ્રથમ 6 અક્ષર લઘુ (U U U) અને અંતિમ 3 અક્ષરો લઘુ, ગુરૂ, ગુરૂ ( U – – )
➡️ બંધારણ :- નનમયય (U U U, U U U, – – –, – – –, U – –)
ઉદાહરણો :–
✅ સરળ હ્રદય ઈચ્છે પાપીને પ્રેમ પાવા.
Matramel chhand |
2. માત્રામેળ છંદ:
- ચોપાઈ છંદ
- દોહરો છંદ
- સવૈયા છંદ
- હરિગીત છંદ
- ઝૂલણા છંદ
[1] ચોપાઈ છંદ :-
➡️ કુલ ચાર ચરણ હોય છે.
➡️ પ્રત્યેક ચરણમાં 15 માત્રા હોય છે.
➡️ પ્રત્યેક ચરણમાં અંતિમ બે અક્ષર ગુરૂ અને લઘુ હોય છે.
ઉદાહરણો :–
✅ કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય;
ચાર પગોને આંચળ ચાર, પૂંછડાથી ઉડાડે માખ.
✅ લાંબા જોડે ટૂંકો જાય, મરે નહી તો માંદો થાય;
તે માટે તક જોઇ તમામ, શક્તિ વિચારી કરીએ કામ.
✅ વાડ થઈને ચીભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે?
ખળું ખાતું હોય જ અન્ન, તો જીવે નહિ એકે જન.
✅ કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર ન પેદા થાય;
નવાણ પીતું હોય નીર, જીવજંતુ ક્યમ ધરે શરીર?
✅ મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ;
રાજા થઈને લૂંટી લેય, પ્રજા કોણ આગળ જઈ કહેર.
✅ પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતા વાત;
ઠંડો મીઠો વહેતો વા, મીઠા કો હૈયાની 'હા'.
✅ એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
⭐ જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ.
⭐ આકાશે તારાની ભાત, સર્જી તો ક્યાં સર્જી વાત.
⭐ ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર.
⭐ જંગલ માથે ઉગ્યો ચાંદ, નભ તરુનું રૂપાળું પાંદ.
[2] દોહરો છંદ :-
➡️ કુલ ચાર ચરણ હોય છે.
➡️ કુલ 24 માત્રા હોય છે.
➡️ પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય છે.
➡️ બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય છે.
➡️ છેલ્લા બે અક્ષર અનુક્રમે ગુરુ, લઘુ હોય છે.
ઉદાહરણો :–
✅ અતિ ભલો નહીં બોલવું, અતિ ભલી નહીં ચૂંપ;
અતિ ભલો નહીં વરસવું, અતિ ભલી નહીં ધૂપ.
✅ ઓ ઇશ્વર ભજિયે તને, મોટું છે તુજ નામ;
ગુણ તારાં નિત ગાઈએ, થાય અમારા કામ.
✅ તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્વાર;
ત્હાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
✅ દીપકના બે દીકરા, કાજલને અજવાશ;
એક કપૂત કાળુ કરે, બીજો દિયે પ્રકાશ.
✅ કરતાં જાળ કરોળિયો, ભોય પડી ગભરાય;
વણ તૂટેલ તાંતણે, ઉપર ચઢવા જાય.
✅ શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક;
જેમાં સુખ દુઃખ વામિએ, સો લાખોમાં એક.
✅ કાજળ તજે ન શ્યામતા,હીરો તજે ન શ્વેત;
દુર્જન તજે ન વક્રતા, સજ્જન તજે ન હેત.
⭐ ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય;
ચાર-ચાર ગાઉ ચાલતાં, લાંબો પંથ કપાય.
⭐ બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ;
આપદ કાળે જાણીએ, તલમાં કેટલું તેલ.
⭐ ચિંતાથી ચતુરાઈ ધટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન;
ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.
⭐ નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુ માન;
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચાં સ્થાન.
⭐ દુર્જનની કૃપા બુરી, ભલો સજ્જનનો ત્રાસ;
સૂરજ જો ગરમી કરે, તો વરસ્યાની આશ.
[3] સવૈયા છંદ :-
➡️ કુલ 4 ચરણ હોય છે.
➡️ કુલ 31 અથવા 32 માત્રા હોય છે.
➡️ યતિ 16 કે 17 માત્રાએ.
➡️ છેલ્લા અક્ષરો અનુક્રમે ગુરૂ લઘુ કે બે ગુરૂ હોય છે.
ઉદાહરણો :–
✅ ઝેર ગયાં ને વેર ગયાં વળી, કાળાં કેર ગયાં કરનાર;
એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન.
✅ અંતરની એરણ પર કોની, પડે હથોડી ચેતન રૂપ?
કાળ તણી ધરતીમાં ખોદી, કોણ રહ્યું જીવનના કૂપ?
✅ અલક મલક આ તરતો તડકો, ચોતરફથી આયો જી;
ગોરીના બે ગાલ મહીં એ, તસતસતો પથરાયો જી.
✅ હું એક રમકડું સિંગાપુરથી, સાથે લેતો આવ્યો છું;
કાગળ પેટીમાં બે બાળીઓ, પૂરી બગલમાં લાવ્યો છું.
✅ પાન ઓચિંતુ કોઈ નાનકડું, ગયું ડાળથી છૂટી;
અરધે શબ્દે ગીત બટકતું, તાલ ગયો ત્યાં તૂટી.
✅ આકાશે સંધ્યા ખીલી'તી, માથે સાતમ કેરો ચાંદ;
બાગમાં હે ફરતાં તા સાથે, પૂછું હું ફૂલોનાં નામ.
⭐ પુષ્પ તણી પાંદડીએ બેસી, હસતું કોણ ચિરંતન હાસ?
⭐ આંબા ઉત્તમ સોનામો'રે વસંતનો કરતા સત્કાર.
⭐ કાર્ય સાધવું નહિ તો મરવું, શૂરવીરની એ છે રીત.
⭐ રણબંકા નહિ કદીયે નાસે, નહિ દેખાડે રિપુને પીઠ.
⭐ અવિનાશીને અન્નકોટના, આવે નિત અમૃત ઓડકાર.
[4] હરિગીત છંદ :-
➡️ દરેક ચરણમાં 28 માત્રા હોય છે.
➡️ યતિ 14 કે 16 માત્રાએ હોય છે.
➡️ છેલ્લો અક્ષર ગુરૂ હોય છે.
ઉદાહરણો :–
✅ સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ના હિંમત હારવી,
સુખ દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.
✅ ચળકાટ તારો એજ પણ, તુજ ખૂનની તલવાર છે.
✅ જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.
✅ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિ.
✅ તું નાનકડી બાળા હશે, કોડે ભરી કૌમાર્યના.
✅ ખાતો દયા ના દેહની, કરજે કથન તુંજ કાળજું.
[5] ઝૂલણા છંદ:-
➡️ કુલ 4 ચરણ હોય છે.
➡️ દરેક ચરણમાં 37 માત્રા આવે છે.
➡️ યતિ 7 અને 10 માત્રાએ આવે છે.
ઉદાહરણો :–
✅ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુંજ વિના ઘેનમાં કોણ જાશે?
✅ આજ આકાશના મંડપે મેઘનાં નૃત્યનાં ચંડ પડછંદ ગાજે.
✅ નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે.
✅ શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે નથી અહીંયા કોઈ કૃષ્ણ તોલે.
✅ આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે.
0 Comments