Vichar vistar |
વિચારવિસ્તાર - અર્થવિસ્તાર
1. અર્થવિસ્તાર
Vichar vistar 1 |
‘‘નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુ માન;
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચાં સ્થાન.''
અર્થ :
વિનમ્ર માનવી સૌને ગમે છે. સૌ એને માન આપે છે. નદીઓ પણ ઊંચાં સ્થાન છોડીને સાગરને ભજે છે.
વિસ્તાર :
આ પંક્તિમાં માનવજીવનનો મહાન ગુણ વિનમ્રતાની વાત કરવામાં આવી છે. આપણે ત્યાં કહેવત છે ને કે, ‘નમે તે સૌને ગમે.’ જ્યાં નમ્રતા હોય છે ત્યાં સ્વાર્થ નથી હોતો, બીજાનું જરા પણ ખરાબ કરવાની વૃત્તિ નથી હોતી, દંભ નથી હોતો અને નથી હોતું અભિમાન. જ્યાં નમ્રતા છે ત્યાં પ્રેમ છે. એક ભજનિકે તો ગાયું છે કે, -
‘‘વા'લો, પ્રેમને વશ થયા રાજી રે;
એમાં શું કરે પંડિત ને કાજી રે !''
ખુદ ઈશ્વર જો પ્રેમથી રાજી થતો હોય તો માણસ પ્રેમ આપવાથી કેમ રાજી ન થાય? વિનમ્રતાથી ગમે તેવા માણસને જીતીને પોતાનો કરી શકાય છે. આ જગતમાં જે માણસો સદીઓથી લોકહૈયામાં કંડરાઈ ગયા છે, તે માત્ર ને માત્ર એમની વિનમ્રતાથી. વિનમ્રતાથી વિવેક જન્મે છે અને વિવેકથી દુશ્મનનેય જીતી શકાય છે. આ જગતમાં ધનના અને સત્તાના નશામાં ચકચૂર બની ગયેલા કહેવાતા મોટા લોકોની સમાજમાં શી પ્રતિષ્ઠા હોય છે તે આપણે ક્યાં નથી જાણતા! સમાજ ક્રોધી, સ્વછંદી અને અહંકારી માણસને પૂજવા ટેવાયો નથી. સમાજ તો નમ્ર અને ઉદાર માણસને પૂજવા ટેવાયો છે. જેમ ઊંચાં શિખરોવાળા પર્વતરાજને છોડીને નીચી જગ્યાએ આવેલા સાગ૨ને મળવા નદીઓ દોડી જાય છે એમ જગત પણ દંભી, પાખંડી, ગર્વિષ્ઠ અને ઉદ્ધત માણસોથી દૂર ભાગી ઉદાર, વિનમ્ર અને પરોપકારી માણસોનું શરણું સ્વીકારે છે.
સાર : આમ, નમ્રતાથી પ્રતિષ્ઠા અને માન પ્રાપ્ત કરી શકાય છે.
2. અર્થવિસ્તાર
Vichar vistar 2 |
‘‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.''
અથવા
‘‘પરિશ્રમ એ જ પારસમણિ છે.''
અર્થ :
જે પરિશ્રમ કરે છે તેને જ સફળતા મળે છે.
વિસ્તાર :
કોઈક કવિએ લખ્યું છે કે –
‘‘સફળતા માનવીની હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી.''
માનવીને પરિશ્રમ કર્યા વિના સફળતા મળતી નથી. કેટલાક લોકો સફળતાને ભાગ્ય અથવા નસીબ સાથે જોડે છે. પરંતુ માનવીને મળતી સિદ્ધિ તેની વર્ષોની મહેનતનું જ પરિણામ હોય છે. લાલ બહાદુર શાસ્ત્રી, જ્યોર્જ વોશિગ્ટન કે નેપોલિયન બોનાપાર્ટ જેવા સામાન્ય કુટુંબમાં જન્મેલા વિશ્વવિભૂતિઓ બની શકે એ નસીબનો ચમત્કાર નહીં, પણ કઠોર પુરુષાર્થનું પરિણામ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે, -
उद्यमेन हि सिध्यान्ति कार्यणि न मनोरथैः।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः।।
ભૂખ્યો થયેલો સિંહ જો તેની ગુફામાં જ પડી રહે તો તે શિકાર મેળવી શકતો નથી. એક કહેવતમાં કહેવાયું છે કે, ‘ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે.’ આળસ રાખ્યા વગર સતત કાર્યરત રહેનારને જ સફળતા પ્રાપ્ત થાય છે. જાળ ઉપર ચઢવા માટે પ્રયત્ન કરનાર કરોળિયો વારંવાર નીચે પડવા છતાં તેના કાર્યમાંથી પીછે હઠ કરતો નથી અને આખરે તે જાળ બાંધી શકે છે. અવિરત પ્રયત્ન કરનારને વહેલી મોડી અવશ્ય સફળતા મળે જ છે. માત્ર ને માત્ર પરિશ્રમ જ જીવનને સફળતા બક્ષનાર પારસમણિ છે.
સાર : આમ, પરિશ્રમ કરનારને જ સિદ્ધિ મળે છે.
3. અર્થવિસ્તા
Vichar vistar 3 |
‘‘વિધા પુસ્તકમાં અને પર કબજામાં ધન;
ભીડ પડે કામ ના આવે એ વિદ્યા ને ધન.''
અર્થ :
પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના કબજામાં રહેલું ધન વિપદની વેળાએ કામમાં આવતો નથી.
વિસ્તાર :
કહ્યું છે ને કે: ‘હાજર સો હથિયાર' કોઈ આપણી ઉપર હુમલો કરે ત્યારે આપણા હાથમાં જો લાકડી હોય તો લાકડી મૂકી તલવારની અપેક્ષા ના રખાય. પારકાના કબજામાં રહેલું હથિયાર મુશ્કેલીના સમયમાં આપણને કશા ખપમાં આવતું નથી.
જે વિઘા આપણી સ્મૃતિમાં હોય અને જે ધન આપણી તિજોરીમાં હોય એ જ આપણા કામમાં આવે છે. કહ્યું છે ને કે "पढ़े न पंडित होय'' પુસ્તકોમાં અને ગ્રંથાલયોમાં અપાર જ્ઞાન પડેલું છે. પણ તેથી આપણને શો ફાયદો ? કોઈ ગ્રંથપાલ સર્વજ્ઞ કે પંડિત થયો સાંભળ્યો છે ! જે જ્ઞાન આપણી સ્મૃતિમાં હોય એ જ જરૂર પડે ત્યારે આપણા કામમાં આવે છે. નહીં તો એ ‘પોથીમાંનાં રીંગણાં’ સાબિત થાય છે. આ વિચાર આપણને વિદ્યાનું મહત્ત્વ સમજાવે છે. વિદ્યા માણસને મુશ્કેલીના સમયમાં રસ્તો બતાવે છે. કોર્ટમાં વકીલ દલીલ કરતી વખતે કાયદાનું પુસ્તક ફંફોસવા બેસે તો શું થાય !
એ જ પ્રમાણે ધન પણ જે આપણી પાસે હોય એ જ આપણું અને આપણા કામનું. બીજાની તિજોરીમાં કેદ યઈને પડેલા રૂપિયા મુશ્કેલીના સમયમાં આપણને કામમાં લાગતા નથી. આથી જ અનુભવીઓએ કહ્યું હશે કે; ‘ગરય ગાંઠે અને વિદ્યા પાઠે'. બજારમાં વસ્તુ ખરીદવા ગયેલા આપણે પૈસા ઘેર ભૂલી જઈએ તો ?
આમ, આ કાવ્યપંક્તિમાં ધનના ઉદાહરણ દ્વારા વિદ્યા અને જ્ઞાનનું મૂલ્ય સમજાવ્યું છે.
સાર : આમ, જ્ઞાન અને ધન આપણા કબજામાં હોવા જોઈએ.
4. અર્થવિસ્તાર
Vichar vistar 4 |
‘‘બેઠેલાનું રહે બેઠું, ઊભાનું ઊભું રહે;
નસીબ સૂતાનું સૂએ, ચાલે ભાગ્ય ચલંતનું.''
અર્થ :
બેઠેલાનું નસીબ બેઠેલું હોય છે. ઊભાનું નસીબ ઊભું રહેલું હોય છે. સૂતેલાનું નસીબ સૂતેલું હોય છે. જ્યારે જે ચાલે છે તેનું નસીબ ચાલતું રહે છે.
વિસ્તાર :
અંગ્રેજીમાં કહ્યું છે કે, 'God helps those who help themselves. પ્રયત્ન કરનારને જ ઈશ્વર મદદ કરે છે.’ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં ગાયું છે કે, कर्मणि एव थे अधिकार: मा फलेषु कदाचन॥ સ્વામી વિવેકાનંદ કહેતા, ‘જાગો, ઊઠો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.' આ પંક્તિમાં ઉદ્યમનો મહિમા કવિએ ગાયો છે. પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું બની જાય છે. પ્રારબ્ધમાં રહેલું પ્રાપ્ત કરવા માટે પણ પરિશ્રમ તો કરવો જ પડે છે. માટે જ નસીબના ભરોસે બેસી રહેવા કરતાં જીવનનો વિકાસ કરી શ્રેય સાધવા માટે અથાગ પરિશ્રમ કરવો જોઈએ. જે ચાલે છે; સતત કાર્ય કરતો રહે છે તેનું પ્રારબ્ધ પણ ગતિશીલ બને છે. આથી જ કદાચ કવિ શ્રી રાજેન્દ્ર શાહે ગાયું હશે કે; ‘‘આપણા ઘડવૈયા બાંધવ આપણે.'' માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે, પોતાના જીવનની સુરેખ શિલ્પાકૃતિ કંડારનારો કુશળ કસબી છે. ઈશ્વર પણ પરિશ્રમ કરનારને પડખે જ ઊભો રહે છે.પેલી કહેવત તમે ક્યાં નથી જાણતા ? ‘આળસ એ જીવતા મનુષ્યની કબર છે.'
સાર : માણસે વિકાસ સાધવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
5. અર્થવિસ્તાર
Vichar vistar 5 |
‘‘મને મળી નિષ્ફળતા અનેક;
તેથી થયો સફળ હું કૈ જિંદગીમાં.''
અર્થ :
જીવનમાં અનેક અસફળતાઓ મળ્યા પછી જ હું સફળ થયો છું.
વિસ્તાર :
નાનું બાળક વારંવાર પડ્યા પછી જ ચાલતાં શીખે છે. વારંવાર પડવાની કે વાગવાની બીક રાખનાર કદી સાઇકલ ચલાવતાં શીખી શકતો નથી. નિષ્ફળતા મળશે એવો ડર રાખી પ્રયત્ન કરવાનું છોડી દેનાર એના જીવનમાં ક્યારેય સફળ થતો નથી. હાથમાં હથોડી અને ટાંકણું લઈ, નિષ્ફળતાની શંકા રાખ્યા વગર પથ્થર સાથે પ્રવૃત્ત થનાર શિલ્પી જ ઉત્તમ શિલ્પાકૃતિ કંડારી શકે છે. નિષ્ફળતા એ સફળતાનું પ્રથમ સોપાન છે. જીવનનું બીજું નામ જ અનેક નિષ્ફળતાઓનો સરવાળો. જીવનમાં થતી ભૂલોથી જ માણસ ઘડાય છે. કામમાં નિષ્ફળતા મળે એટલે કામ છોડી દેવાની વૃત્તિ કાયરતા છે. આવી વ્યક્તિ જીવનસંગ્રામમાં ક્યારેય વિજય મેળવતી નથી. કવિ ઉમાશંકરે ગાયું છે –
‘‘નિશાન ચૂક માફ; ન તાક નીચું નિશાન.''
જીવનની રણભૂમિમાં કદાચ નિશાન ચૂકી જવાશે તો કંઈ બગડી જવાનું નથી, પણ નિશાન તાકી જ નહીં શકાય એમ માની પણછ ઉ૫૨થી તીર ઉતારી લેનારને ઘણું ગુમાવવું પડે છે. નિષ્ફળતાની સામે ઝૂકી જવા કરતાં બમણા વેગથી સાચી દિશામાં પ્રયત્નો ચાલુ રાખનારને અવશ્ય સફળતા મળે જ છે. પેલી કહેવત છે ને કે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા.’
સાર : નિષ્ફળતા એ જીવનની સફળતાની ચાવી છે.
6. અર્થવિસ્તાર
Vichar vistar 6 |
‘‘સાચને કદી ન આવે આંચ.''
અર્થ :
સાચું બોલનારને કદી કોઈ જ નુકસાન થતું નથી.
વિસ્તાર :
સત્ય સનાતન હોય છે. શાશ્વત હોય છે. ગાંધીજીએ એટલે જ કહ્યું હતું : ‘સત્ય એ જ પરમેશ્વર, 'સત્ય સોના જેવું શુદ્ધ હોય છે. સત્યનો ભેખ ધારણ કરનારને શરૂઆતમાં અસહ્ય કષ્ટો પડતાં લાગે પણ આખરે તો સત્યનો જ જય થાય છે. આપણા વેદોમાં કહ્યું છે કે - सत्यमेव जयते।
આપણી વૈદિક સંસ્કૃતિની એક પ્રમુખ આજ્ઞા છે કે - 'सत्यं वद, धर्म चर' સત્યનો માર્ગ તલવારની ધાર જેવો છે. રાજા હરિશ્ચંદ્રને સત્યનું પાલન કરતાં રાજ્ય, પત્ની, પુત્ર આદિનો ત્યાગ કરવો પડ્યો હતો પણ આખરે તો સત્યનો જ વિજય થયો અને હરિશ્ચંદ્ર ‘સત્યવાદી' તરીકે ઇતિહાસમાં અમર થઈ ગયા.
સમાજમાં અસત્ય બોલનાર અને અસત્ય આચરણ કરનારની કિંમત કોડીની થઈ જાય છે. ધર્મરાજા માત્ર એક જ વખત અસત્ય બોલેલા - ‘नरो वा कुंजरो वा' તો એમનો જમીનથી દસ આંગ ઊંચો ચાલતો રથ ચાર આંગળા નીચે ઊતરી ગયો અને હિમાલય આરોહણ વખતે ટચલી આંગળી ગળી ગઈ. જીવનમાં માત્ર એકવાર અસત્ય બોલનાર ધર્મરાજાને જો આવું ફળ ભોગવવું પડ્યું હોય તો આપણા જીવનમાં ડગલે ને પગલે અસત્ય બોલનારની શી સ્થિતિ થાય ? માટે જ કહ્યું છે કે ‘सत्यं ब्रृयात् प्रियं ब्रृयात्'।
ગાંધીજીએ ‘સત્ય’ ને જીવન રસાયણ માની એને પૂરેપૂરું જીવનમાં ઉતાર્યું હતું. એમનું આખું જીવન સત્યમય બની ગયું હતું. આથી તો એમણે એમની આત્મકથાને પણ “સત્યના પ્રયોગો' એવું નામ આપ્યું હતું. ઈશ્વર પણ સદા સત્યને જ પડખે ઉભી રહે છે.
સાર : માણસે સાચું જ બીલવું જોઈએ.
7. અર્થવિસ્તાર
Vichar vistar 7 |
"ગોળ વિના મોળો કંસાર,
માત વિના સૂનો સંસાર"
અર્થ :
જેમ ગોળ વિના કંસાર મોળો લાગે છે તેમ મા વિના સંસાર સૂનો લાગે છે.
વિસ્તાર :
સંસ્કૃતમાં કહ્યું છે કે, ‘ जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसी।' માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. કવિ આ પંક્તિમાં માતાનું મહત્ત્વ સમજાવતાં કહે છે ગોળ વિના કંસાર જેમ મોળો લાગે છે તેમ ‘મા’ વિના સંસાર પણ અસાર લાગે છે. કહ્યું છે ને કે ; ‘મા તે મા, બીજા વગડાના વા.’
એક કવિએ તો ત્યાં સુધી કહ્યું છે કે, 'અર્પી દઉં સો જન્મ એવડું મા તુજ લેણું.' માતાના આપણી ઉપર એટલા બધા ઉપકાર હોય છે કે આપણે આપણા સો જન્મો કુરબાન કરી દઈએ તોય એ ઉપકારનો બદલો વાળી શકાય નહીં. કવિ બોટાદકરે કહ્યું છે ને કે, –
‘ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે;
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...''
માનો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. માણસ ગમે તેટલો મોટો થાય તોયે માને મન એ દીકરો જ હોય છે, બાળક જ હોય છે. પોતાનાં સંતાનોના સુખ અને શ્રેય માટે તે તેનું જીવન નિચોવી નાખે છે . એક કવિએ તો કહ્યું છે કે ‘‘મારે મન આ જગતનું સર્વોત્તમ તીર્થ મારી મા છે.''
અંગ્રેજીમાં કહ્યું છે : ‘The hand that rocks the cradle, rules the world.' કહ્યું છે ને કે; ‘એક ભણેલી અને સંસ્કારી મા સો શિક્ષકની ગરજ સારે છે, ‘આ સૃષ્ટિમાં જો ક્યાંય સ્વર્ગ જેવી ચીજ હોય તો તે માનાં ચરણોમાં છે. માના ત્યાગનો જોટો જડવો જગતમાં મુશ્કેલ છે. જગતના મહાપુરુષોના ઘડતરમાં એમની માતાઓનો ફાળો બહુમૂલ્ય છે.
સાર : માનો પ્રેમ નિઃસ્વાર્થ અને ચિરંજીવ હોય છે.
8. અર્થવિસ્તા
‘‘આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ;
તે ઘર નવ જઈએ કદી, ભલે કંચન વરસે મેહ."
અર્થ :
જ્યાં આદર મળતો ન હોય, અને જ્યાં પ્રેમ જોવા મળતો ન હોય ત્યાં ભલે સોનાનો વરસાદ વરસતો હોય તોય જવું જોઈએ નહીં.
વિસ્તાર :
ભારતીય સંસ્કૃતિમાં અતિથિને દેવનો દરજ્જો આપવામાં આવ્યો છે. અધિ દેવો મ। આંગણે આવેલા અતિથિનો આદરસત્કાર કરવો જોઈએ. કવિ દુલાભાયા કાગે ગાયું છે કે ;
‘હે જી ! તારાં આંગણિયાં પૂછીને જો કોઈ આવે –
તો આવકારો મીઠો આપજે રે....'
જ્યાં હૈયાનો ઉમળકો ના હોય, મીઠો આવકારો ન મળતો હોય ત્યાં સ્વમાન વેચીને જવું જોઈએ નહીં. આવકારો ના મળતો હોય એવા શ્રીમંતના મહેલે જવા કરતાં જ્યાં મીઠો આવકારો મળતો હોય એવી ગરીબની ઝૂંપડીએ જવું સારું. એટલે જ શબરીનો પ્રેમ જોઈ રામ તેની ઝૂંપડીએ ગયા હશે ! અને દુર્યોધનના મેવા ત્યાગીને ભગવાન શ્રીકૃષ્ણે ઠાકરડી કરમાબાઈનો ખીચડો આરોગ્યો હશે ! પેલી કહેવત છે ને કે -
‘ભાવ વિનાનું મળવું એ ભીંતે ભટકાવા સમાન છે.'
આ દુનિયામાં સ્વમાનથી વધારે કીમતી બીજું કશું નથી. જ્યાં અપમાન અને તિરસ્કાર મળતાં હોય ત્યાં સ્વમાનના ભોગે કદી જવું જોઈએ નહીં. પછી ભલે એ રાજાઓના રાજમહેલો કેમ ના હોય ! જ્યાં પ્રેમ છે ત્યાં ભાવ છે. ત્યાં જ ઉમળકો છે. પ્રેમથી પીરસેલો રોટલો પકવાનો કરતાંય અધિક મિષ્ટ લાગે છે. સંપત્તિ કરતાં સ્વમાનની કિંમત અનેક ગણી ચઢિયાતી છે.
સાર : ગમે તે ભોગે સ્વમાનનું રક્ષણ કરવું જોઈએ અને કદી કોઈની ખુશામત કરવી જોઈએ નહીં.
9. અર્થવિસ્તાર
"પીપળ પાન ખરંતાં હસતી કૂંપળિયાં;
અમ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં."
અર્થ :
પીપળનાં ખરી પડતાં જીર્ણ પાંદડાંને જોઈને તાજી ફૂટેલી કૂંપળો હસે છે. ત્યારે પેલાં ખરતાં પાન કૂંપળોને કહે છે, ‘ જરા સબૂર કરો. હસો છો શું ? અમારા જેવા દિવસો તમારા પણ આવશે .’
વિસ્તાર :
સંસ્કૃતમાં કહ્યું છે કે -
'जातस्य ही ध्रुवो मृत्युं।'
એક કવિએ લખ્યું છે -
"જે ઊગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય;
એહ નિયમ અવિનાશનો, જે જાયું તે જાય."
સૂર્ય ઊગ્યા પછી આથમે છે. ખીલેલું ફૂલ અવશ્ય કરમાય છે. તેમ જન્મેલા દરેકનું આખરે મૃત્યુ થાય છે જ. સૃષ્ટિનો આ અફર નિયમ છે. આજનો યુવાન આવતી કાલે વૃદ્ધ થવાનો જ છે. તો પછી વૃદ્ધની લાચાર સ્થિતિ જોઈ તેની મજાક ઉડાવવાનો કોઈ અર્થ ખરો?
કેટલાક સુખી લોકો, સુખ અને શ્રીમંતાઈના ક્ષણિક નશામાં ગરીબોની બેહૂદી ઠેકડી ઉડાડે છે. પણ તેઓ વિચાર નથી કરતા કે આપણી આવતી કાલ કેવી હશે! ભવિષ્યનાં રહસ્યોને જાણવા કોણ સમર્થ છે? આજનો રાજા આવતી કાલે રસ્તા પર રખડતો ભિખારી બની જાય તો! માલવપતિ મુંજને હાથમાં ભિક્ષાપાત્ર લઈ ભીખ માંગવી પડેલી અને શિવાજી મહારાજના પુત્રના હાથમાંથી કંદનો રોટલો લઈ કૂતરો નાસી ગયેલો એ શું ભાગ્યની વિચિત્રતા નથી! માટે ઈશ્વરે આપેલી ક્ષણને જીવતાં શીખો. સમત્વ કેળવતાં શીખો.
સાર : બીજાનું દુઃખ જોઈ રાજી થવું જોઈએ નહીં.
10. અર્થવિસ્તાર
"જે જન પામે પૂર્ણતા, તે કદી ના ફુલાય;
પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય."
અર્થ :
પૂર્ણ માનવતાને પામેલો માણસ કદી ગર્વ કરતો નથી. જેમકે અધૂરો ઘડો છલકાય છે. જ્યારે પૂરેપૂરો ભરેલો ઘડો છલકાતો નથી.
વિસ્તાર :
સંસ્કૃતમાં કહ્યું છે કે -
‘सम्पूर्ण कुम्भो न करोति शब्दं, अर्धो घटो घोषमुपैति नूनम्।'
ગુજરાતીમાં પણ કહેવતો છે. જેમકે, ‘અધૂરો ઘડો છલકાય.' ‘ભસતાં કૂતરાં કરડે નહિ અને ગાજ્યા મેહ વરસે નહીં.' તથા ‘ખાલી ચણો વાગે ઘણો.
માણસે જો કોઈ બાબતમાં વિશદ જ્ઞાન કે અનુભવ પ્રાપ્ત કર્યાં હોય તો તેને જ્ઞાનની અગાધતાનો પરિચય થાય છે અને તે કદી પોતાના જ્ઞાન કે અનુભવનો ગર્વ કરતો નથી. જ્ઞાની માણસ કદી જ્ઞાનનો દંભ કરતો નથી. જ્યારે જેઓ પૂરા જ્ઞાની નથી અને જેમણે ઉપરચોટિયું કે પોપટિયું જ્ઞાન મેળવ્યું છે એવા ' સૂંઠને ગાંગડે ગાંધી થનારા' માણસે બીજાની આગળ વટ પાડવા ‘હું સર્વજ્ઞાતા છું’ અથવા ‘મને બધું જ આવડે છે.’ અથવા ‘મારા જેવું કોઈ જ જાણતું નથી.' એમ દંભ અને ગર્વથી ફુલાય છે. નરસિંહે ગાયું છે ને કે –
'હું કરું હું કરું એ જ અજ્ઞાનતા; શકટનો ભાર જ્યમ શ્વાન તાણે.'
આવા અધૂરા ધડાની જેમ છલકાતા માણસોની સમાજમાં ખોટ નથી. પૂર્ણ જ્ઞાનીઓ ક્યારેય પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતા નથી કે ગર્વ કરતા નથી.
સાર : અધૂરા જ્ઞાનવાળા ‘જ્ઞાની' હોવાનો દંભ કરે છે. જ્યારે ‘પૂર્ણજ્ઞાની ઓ જ્ઞાનનો ગર્વ કે દેખાડો કરતા નથી,
Gkbyishak.blogspot.com |
My blog
0 Comments